| |
ગંગાધર ચૂર્ણ-અતિસાર મટે છે
ઔષધનું નામ છે ‘ગંગાધર ચૂર્ણ.’ બજારમાં મળે છે. આને વૃદ્ધ ગંગાધર ચૂર્ણ પણ કહે છે. અડધીથી એક ચમચીની માત્રામાં સવારે, બપોરે અને રાત્રે ઉકાળીને ઠંડા કરેલા પાણી સાથે લેવાથી પ્રવાહિકા, અતિસાર (દ્રવ મળનું અતિ પ્રમાણમાં સરણ થવું, તેને અતિસાર કહેવામાં આવે છે) અથવા પાતળા ઝાડા, ગ્રહણી કે સંગ્રહણી, અગ્નિમાંદ્ય, જીર્ણ પ્રવાહિકા, ચીકણા-કફવાળા ઝાડા અથવા જૂનો મરડો અને આંતરડાનો સોજો મટાડે છે. * કાચા બીલાનું એક ચમચી ચૂર્ણ એટલી જ સાકર સાથે સવારે, બપોરે અને રાત્રે લેવાથી અતિસાર મટે છે.
મેદ-સ્થૌલ્ય -મેદનો નાશ
વાવડિંગ, સૂંઠ, જવખાર, લોહભસ્મ, જવ તથા આમળાનું ચૂર્ણ સરખા ભાગે બનાવી મધની સાથે સેવન કરવાથી મેદ એટલે કે સ્થૂળતાનો નાશ થાય છે.
મધને પાણીમાં મેળવી શરબત બનાવી પ્રાતઃકાળે પીવાથી સ્થૂળતા-મેદનો નાશ થાય તથા અન્નનો-જવનો ગરમ ગરમ મંડ-સૂપ પીવાથી શરીર કૃશ-પાતળું થાય છે. કન્યાલોહાદિગુટીકા
એળિયો સો ગ્રામ, હિરાકસી પંચોતેર ગ્રામ, તજ, એલચી, સૂંઠ આ ત્રણે પચાસ ગ્રામ અને ગુલકંદ બસો ગ્રામ. આ છએ ઔષધોને ખૂબ બારીક લસોટી, ચણા જેવડી ગોળીઓ બનાવી સૂકવીને બાટલી ભરી લેવી. આ ઔષધનું આયુર્વેદમાં નામ છે 'કન્યાલોહાદિવટીકા.' જે દરેક ફાર્મસીઓ બનાવતી હોય છે. બજારમાં મળે છે. સવાર-સાંજ એક એક ગોળી પાણી સાથે લેવાથી સ્ત્રીઓની રક્તાલ્પતા-હિમોગ્લોબીન ઘટી જવું, માસિક ઓછું આવવું, દુખાવા સાથે આવવું, અનિયમિત આવવું તથા સ્ત્રીબીજ છૂટું ન પડવું વગેરે તકલીફો મટે છે. કર્ણસ્ત્રાવ
પંચકષાયનું (એટલે કે વજ, અરડૂસો, પ્રિયંગુ, પટોલ અને લીમડો) ચૂર્ણ તથા મધને કોઠાના રસની સાથે કાનમાં ટીપાં નાખવાથી કર્ણસ્રાવ (કાનમાંથી પરૃનો સ્રાવ થવો) મટે છે.
* ફૂલાવેલી શુદ્ધ ફટકડીનો બારીક પાઉડર કાનમાં નાખવાથી કાનમાંથી થતો પરૃનો સ્રાવ- કર્ણસ્રાવ મટે છે.
*ટંકણખાર ફૂલાવી તેનો પાઉડર કાનમાં નાખવાથી કર્ણસ્રાવ મટે છે.
* લીલી હળદરના રસના ટીપાં જો કાનમાં નાખવામાં આવે તો કાનમાંથી થતો પરૃનો સ્રાવ મટે છે. નારાયણં નારાયણં હે ઉદરરોગથી પીડિતો ! નારાયણ ચૂર્ણનું સેવન કરો, હે વાયુરોગપીડિતો તમે નારાયણ-મહાનારાયણ તેલથી માલિશ કરો. હે સંસારથી ભયભીતો નારાયણનું-પ્રભુનું ભજન કરો. તાત્પર્ય એ છે કે, નારાયણથી-પ્રભુથી અધિક શ્રેષ્ઠ કંઈ પણ નથી. ચંદનાદિવટી
એલચી દાણા, વાંસકપૂર અને ચણકબાબ આ ત્રણે ઔષધો સરખા ભાગે લઈ તેમાં સુખડનું તેલ નાખી, ખૂબ લસોટી ચણાના દાણા જેવડી ગોળીઓ વાળી બાટલી ભરી લેવી. આ થઈ આયુર્વેદની 'ચંદનાદિવટી.' એક એક ગોળી સવારે, બપોરે અને રાત્રે ખડી સાકર નાખેલા ઠંડા પાણી સાથે લેવાથી ઉનવા, લૂ લાગવી, આંતરિક બળતરા, હાથ-પગના તળિયા બળવા, આંખો બળવી, પ્રમેહ, મૂત્રદાહ, મૂત્રાવરોધ, મૂત્રકષ્ટ, પ્રદરમાં ફાયદો કરે છે. આ ઔષધ શીતળ ગુણવાળું હોવાથી ડાયાબિટીસ-મધુપ્રમેહવાળાએ સાકર નાખવી નહીં. માત્ર શીતળ જળ સાથે લેવી. |
|
રાયણ
આયુર્વેદમાં રાયણને ‘રાજાઘ્ની’ કહેવામાં આવે છે. રાયણનાં ફળ ‘રાયણા’ ગુણમાં મધુર, પચવામાં ભારે, ચીકણા, સહેજ તુરા, તર્પણ, વૃષ્ય એટલે વીર્યવર્ધક, શરીરને સ્થૂળ કરનાર, પ્રમેહનો નાશ કરનાર અને વાયુનાશક છે. આ ઉપરાંત બળ આપનાર, સ્નિગ્ધ-ચીકણા, શીતળ, તૃષ્ણા-તરસ, મૂર્છા, મદ, ભ્રાંતિ, ક્ષય અને રક્તપિત્તમાં હિતાવહ છે. રાયણને આયુર્વંદમાં ત્રિદોષઘ્ન એટલે કે વાયુ, પિત્ત અને કફ આ ત્રણે દોષમાં હિતાવહ છે અને રક્તદોષનાશક છે. રાયણના ઝાડ ઉપરની ગાંઠોને અંગારામાં શેકી તેનો રસ કાઢી મધમાં મિશ્ર કરી સવાર-સાંજ આપવાથી અપસ્માર મટે છે. તક્ર-છાશનો પ્રયોગ-(પેટમાં વાયુનો પ્રકોપ થાય ત્યારે)
વાતોદરમાં (પેટમાં વાયુનો પ્રકોપ થાય ત્યારે) લીંડીપીપર તથા લવણ (કાળું નમક-સંચળ) મેળવેલ તક્ર એટલે કે છાશનું સેવન કરવું જોઈએ તથા પિત્તોદરમાં સાકર અને મરી મેળવેલ સ્વાદિષ્ટ બનાવીને સેવન કરવું. * કફોદરમાં અજમો, સિંધવ-સિંધાલુણ, જીરું (શાહજીરું) તથા ત્રિકટુનું એટલે કે સૂંઠ, મરી, પીપરનું સરખા ભાગે બનાવેલું ચૂર્ણ મધ સાથે મેળવી કંઈક અંશે ઘાટી અને ખાટી બનાવેલ છાશ સાથે પીવું. કેરડાસૂકા મસાનો નાશ થાય છે
આયુર્વેદમાં કેરડાને કરીર કહે છે. આ કરીર-કેરડા સ્વાદમાં કડવા, તીખા, ગરમ, કફ હરનાર, હરસ-પાઈલ્સ, એમાં પણ સૂકા મસા પર ખૂબ જ હિતાવહ છે. કફ અને વાયુના રોગોમાં ઉપયોગી છે. કેરડાનાં ફળ કંઈક અંશે ગ્રાહી એટલે કે મળને બાંધનાર, આ ઉપરાંત તે જઠરાગ્નિવર્ધક અને પરમ વાતહર છે. કેરડાનો અથાણાં, ચૂર્ણ અને રસરૃપે ઉપયોગ થાય છે. કેરડાનું ચૂર્ણ અડધીથી એક ચમચી જેટલું એક કપ જેટલા દહીંમાં મિશ્ર કરી રોજ સવારે લેવાથી સૂકા મસાનો નાશ થાય છે. ધીરજ રાખીને પરેજી સાથે આ ઉપચાર કરવો. પ્લીહાશૂળ-પ્લીહાના રોગો મટે છે.
હિંગ, ત્રિકટુ, કઠ- ઉપલેટ, જવખાર, અને સિંધાલુણ આ બધા ઔષધો સરખા વજને લઈ, ચૂર્ણ બનાવી બીજોરા લીંબુના રસ સાથે પીવાથી પ્લીહાશૂળ મટે છે. (અડધી ચમચી જેટલું આ ચૂર્ણ + ચાર ચમચી બીજોરા લીંબુનો રસ મિશ્ર કરી સવારે અને સાંજે પીવો.) શરપંખાનું એક સંસ્કૃત નામ છે, “પ્લીહશત્રુ” એટલે કે શરપંખો, એ પ્લીહાના રોગોનો દુશ્મન છે. શરપંખાના મૂળનું ચૂર્ણ દહીંમાં કે છાશમાં મેળવી પીવાથી પ્લીહાના રોગો મટે છે. પથરી-સ્ટોન- મૂત્રમાર્ગની પથરી મટી જાય છે
વરૃણની છાલ, પાષાણભેદ, સૂંઠ અને ગોખરૃથી બનાવેલો કષાય એટલે ઉકાળો જવખાર મેળવીને સવાર-સાંજ પીવાથી પથરી અને મૂત્રશર્કરા મટે છે. (બધા ઔષધો સરખા ભાગે ખાંડવા. આમાંથી એક ચમચી ભુક્કાનો ઉકાળો બનાવી પીવો). * અડધી ચમચી કડાછાલ દહીંમાં લસોટી સવાર-સાંજ પીવામાં આવે તો પથરી અને જૂનો મરડો મટી જાય છે. * સફેદ એરંડો, બેઠી ભોંયરીંગણી, ઊભી ભોંયરીંગણી, ગોખરૃ અને કાળી શેરડીના મૂળ દહીમાં લસોટી-વાટીને સવાર-સાંજ પીવામાં આવે તો મૂત્રમાર્ગની પથરી મટી જાય છે. ક્ષીરપ્રયોગ મૂત્રાઘાત-મૂત્ર તથા શુક્રના દોષો શીઘ્ર નષ્ટ થાય છે, મટી જાય છે. નાની એલચી, શેકેલી હિંગ અને ઘીની સાથે દૂધ પીવાથી મૂત્ર તથા શુક્રના દોષો શીઘ્ર નષ્ટ થાય છે, મટી જાય છે. કાકડીના બીજનો કલ્ક-પેસ્ટ- ચાટણ બે ચમચી જેટલું સૈંધવ-મીઠું અને કાંજીની સાથે સેવન કરવાથી મૂત્રાઘાત એટલે કે મૂત્રનો અટકાવ દૂર થાય છે.જાંબુ
આયુર્વેદમાં મર્હિષ ચરકે જાંબુ વિશે લખ્યું છે કે, “જાબવં વાત જનાનામ” એટલે કે જાંબુ પરમ વાયુ કરનાર છે. એટલે જ વાયુની તકલીફવાળાએ જાંબુ ખાવા નહીં તથા ભૂખે પેટે જાંબુ ખાવા નહીં. જાંબુ કફ અને પિત્તને જીતનાર છે. અતિસાર, શ્રમ, શ્વાસ, ઉધરસ, શોષ, મોઢાની વિરસતા, સંગ્રહણી, બરોળની વૃદ્ધિ, જૂનો મરડો, અજીર્ણ અને ડાયાબિટીસમાં હિતાવહ છે. જાંબુના શેકેલા ઠળિયા જમ્યા પછી ડાયાબિટીસવાળાએ મુખવાની જેમ એકથી બે ચમચી ખાવા જોઈએ. કાચા ઠળિયા પણ ખાઈ શકાય. જે સ્વાદમાં તુરા હોય છે. ફાલસા-લૂ-ગરમી લાગે નહીં
આયુર્વેદમાં કાચા ફાલસાને ખાટા અને પાકાને મધુર કહ્યાં છે. ફાલસાનું શરબત બહુ સારું થાય છે. ગુણોની દૃષ્ટિએ ફાલસા રુચિ ઉપજાવનાર, પિત્તહર અને તાવની ગરમી, વાયુ, ક્ષય, પિત્તજ્વર, વગેરેમાં ખૂબ જ હિતાવહ છે. મર્હિષ ચરકે વિરેચનમાં સહાયક, જ્વરહર અને શ્રમ-થાકહર ઉત્તમ દસ ઔષધોમાં ફાલસાનો સમાવેશ-ઉલ્લેખ કરેલો છે. ગ્રીષ્મ ઋતુમાં-તડકામાં બહાર જવાનું થાય તો સાકરથી બનાવેલ ફાલસાનું શરબત પીધા પછી જવું. જેથી લૂ-ગરમી લાગે નહીં. શ્રમ, મહેનત કે મુસાફરી પછી ફાલસાનું તાજું બનાવેલ શરબત પીવું. મૂત્રનો અટકાવ-અટકાવ મટી જાય છે
કોળાનો રસ (છ-સાત ચમચી), જવખાર (ચારથી છ ચોખાભાર) તથા જૂનો ગોળ (બે ચમચી) આનું મિશ્રણ કરીને પીવાથી મૂત્રમાર્ગનો વિબંધ-અટકાવ, મૂત્રની શર્કરા અને પથરી મટી જાય છે. * ગોખરુના ઉકાળામાં ચણા જેટલું શીલાજીત ચૂર્ણ પીવાથી મૂત્રાવરોધ-મૂત્રનો અટકાવ મટે છે. * દશમૂળનો ઉકાળો અડધો કપ, એક ચમચી સાકર અને ચણા જેટલું શીલાજીત મેળવી સવાર-સાંજ પીવામાં આવે તો મૂત્રનો અટકાવ મટી જાય છે. રક્તપિત્ત
ત્રિફળા અને ગરમાળાના ગરનોે કવાથ ઉકાળો બનાવીને તેમાં મધ અને સાકર મેળવીને પીવાથી રક્તપિત્ત, દાહ-બળતરા અને પિત્તથી થતું શૂળ-દુખાવો મટે છે. (માત્રા અડધી ચમચી સવાર સાંજ)
બે ચમચી મધ અને બે ચમચી અરડૂસીનો તાજો રસ મિશ્ર કરી પીવાથી રક્તપિત્ત મટે છે. * જેઠીમધ, ધાણા, રતાંદળી, અરડૂસી અને વાળાનો ઉકાળો (સરખાભાગે લેવા) ઠંડો કરી તેમાં મધ અને સાકર નાંખી પીવાથી રક્તપિત્ત મટે છે.
ત્રિદોષશૂળ-દશમૂળનો ઉકાળો પીવાથી ત્રિદોષશૂળ મટે છે
વિદારીકંદ તથા દાડમના રસમાં ત્રિકટુ (સૂંઠ, મરી અને લીંડી પીપરના સરખા ભાગે બનાવેલા ચૂર્ણને ત્રિકટુ કહેવામાં આવે છે.) સિંધાલુણ- સેંધવ અને મધ મેળવીને પીવાથી ત્રણે દોષથી (વાયુ,પિત્ત અને કફ) થતું શૂળ- દુખાવો મટે છે. *જવખાર અને સિંધાલુણ નાખી દશમૂળનો ઉકાળો પીવાથી ત્રિદોષશૂળ મટે છે. * લીંડીપીપર અને જવખારનું ચૂર્ણ આદુનો રસ અથવા મધ સાથે આપવાથી ત્રણે દોષથી થતુ શૂળ તથા શ્વાસકાસ મટે છે. વાયુજન્ય મૂત્રકૃચ્છ્ર-મૂત્રનો વેદના યુક્ત અટકાવ- અવરોધ. દૂર થાય છે
ગળો, સૂંઠ, આમળા, અશ્વગંધા અને ગોખરું આ ઔષધોનો ઉકાળો પીવાથી વેદના- પીડાયુક્ત વાતજન્ય મૂત્રકૃચ્છ્ર (મૂત્રનો વેદના યુક્ત અટકાવ- અવરોધ.) દૂર થાય છે. (અહીં અમૃતા એટલે ગળો,નાગર એટલે સૂંઠ, ધાત્રી એટલે ત્રણ કાંટાવાળા ગોખરું) આ બધા ઔષધો અડધી અડધી ચમચી જેટલા લઈ ખાંડી- કુટી મિશ્ર કરી ઉકાળો બનાવી સવાર સાંજ તાજેતાજો જ પીવો.
પરિણામ શૂળ-જમ્યા પછી થતો પેટનો દુખાવો મટે છે
સૂંઠ, ગોળ અને તલનો કલ્ક (કલ્ક એટલે ખૂબ જ વાટી લસોટી ચટણી જેવું પેસ્ટ કરવું.) કરીને તેનો દૂધમાં ઉકાળીને પાક કરવો. આનું સાત દિવસ સુધી સેવન કરવાથી ઉગ્ર પરિણામ શૂળ મટે છે. (એક ચમચી સૂંઠ, બે ચમચી ગોળ અને ચાર ચમચી તલ મિશ્ર કરી તેને ખૂબ લસોટીને એક ગ્લાસ જેટલા દૂધમાં ઉકાળી- દૂધપાક જેવું કરી ઠુંડું પાડીને પીવું. પરિણામ શૂળ એટલે જમ્યા પછી થતો પેટનો દુખાવો.) ગુલ્મ-ગોળો-૧-વાયુથી થતો ગુલ્મ- ગોળો શાંત થાય છે -શ્વાસ અને કફના જૂના રોગો મટે છે.
એરંડ તેલને (દિવેલ) વારૃણી- તાડીના મંડની સાથે મેળવીને પીવું જોઈએ. અથવા એરંડ તેલને દૂધ સાથે મેળવીને પીવું જોઈએ. આનાથી વાયુથી થતો ગુલ્મ- ગોળો શાંત થાય છે. ભોંયરીંગણીનો મૂળ સાથે આખો છોડ સૂકવી બારીક ચૂર્ણ કરી લેવું. અડધી ચમચી જેટલું આ ચૂર્ણ ગરમ-નવશેકા પાણી સાથે સવાર-સાંજ ૧૦ દિવસ પીવાથી પેટનો ગોળો- ગુલ્મ મટી જાય છે. આ ચૂર્ણ મધ સાથે લેવાથી શ્વાસ અને કફના જૂના રોગો મટે છે. તાલીસાદિ ચૂર્ણે-ઉધરસ, શરદી, સળેખમ, કફજ્વર એસ્થમાં શ્વાસ અગ્નિમાંદ્ય અને ઊલટી- ઊબકામાં ફાયદો થાય છે
ઔષધનું નામ છે “તાલીસાદિ ચૂર્ણે” વૈદ્યો આ ચૂર્ણ કફના રોગોમાં વધારે વાપરે છે. અડધાથી એક ચમચી જેટલું આ ચૂર્ણ બે ચમચી જેટલાં મધ સાથે મિશ્ર કરીને સવારે, બપોરે અને રાત્રે લેવામાં આવે તો સૂકી અને કફવાળી ઉધરસ, શરદી, સળેખમ, કફજ્વર એસ્થમાં શ્વાસ અગ્નિમાંદ્ય અને ઊલટી- ઊબકામાં ફાયદો થાય છે. * આવાંજ બીજા એક ઔષધનું નામ છે “સિતોપલાદિ ચૂર્ણ.” આમાં બીજા ઔષધો સાથે સીતા એટલે સાકર મુખ્ય ઔષધ હોવાથી સિતોપલાદિ નામ અપાયું છે. લેવાની રીત ઉપર પ્રમાણે તાલીસાદિની જેમ જ.
પટોલાદિ ક્વાથ-સવાર-સાંજ પીવાથી પિત્તનો-ઉનો તાવ મટે છે.
પરવળનાં પાન, ત્રિફળા (હરડે, બહેડા, આમળા) તથા કડવા લીમડાની અંતરછાલ (બધા ઔષધો સરખા વજને લેવા) આ બધાનો ઉકાળો બનાવી ઠંડો પાડી તેમાં મધ નાખીને પીવાથી કફજન્ય તાવ-ફ્લ્યુ, ઊલટી, બળતરા અને શૂળ-પીડા શાંત થાય છે. (ઉકાળો એક કપ + મધ ત્રણ ચમચી મિશ્ર કરી સવાર-સાંજ). * લીમડાનો ડૂખો, કડુ અને કરિયાતાના ઉકાળામાં મધ મિશ્ર કરી સવાર-સાંજ પીવાથી પિત્તનો-ઉનો તાવ મટે છે.
|